KuberaNowLogo
Saturday, 14/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

MCXનો ભાવ વર્ષમાં બમણો, માર્કેટ કેપ એક લાખ કરોડની નજીક પહોંચ્યું

ઘટતા બજાર વચ્ચે પણ MCXના શેરે 3,768.30 રૂપિયાની નવી સપાટી બનાવી હતી. આના પરથી જ કંપનીની કામગીરીની મજબૂતાઈનો ખ્યાલ આવે છે. નવેમ્બરમાં જ કંપનીના શેરનો ભાવ 18 ટકા સુધી વધી ચૂક્યો છે.

Kuberanow deskPublished On : 14 Nov 2026
MCX
AI Image

ભારતીય શેરબજાર શુક્રવારે ઘટીને બંધ આવ્યુ, પરંતુ ઘટતા બજાર વચ્ચે પણ MCXના શેરે 3,768.30 રૂપિયાની નવી સપાટી બનાવી હતી. આના પરથી જ કંપનીની કામગીરીની મજબૂતાઈનો ખ્યાલ આવે છે. નવેમ્બરમાં જ કંપનીના શેરનો ભાવ 18 ટકા સુધી વધી ચૂક્યો છે. છેલ્લા એક વર્ષમાં MCXના શેરનો ભાવ રૂ. 1,887.25થી 100 ટકા ઉપરાંત વધ્યો છે. આ દરમિયાન કંપનીનું બજારમૂલ્ય રૂ. 96,089 કરોડને આંબી ચૂક્યું છે. આમ MCX એક ટ્રિલિયન રૂપિયાની સપાટી હાંસલ કરવાની નજીક છે, ફક્ત ચાર ટકા જ તેનાથી દૂર છે.

 

MCX ભારતનું અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્સ એક્સ્ચેન્જ છે. તે વિશ્વનું સૌથી મોટું કોમોડિટી ઓપ્શન્સ એક્સ્ચેન્જ પણ છે. એપ્રિલથી સપ્ટેમ્બરમાં પૂરા થયેલા અર્ધવાર્ષિક સમયગાળામાં કંપનીનું કોમોડિટી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના બજારમાં હિસ્સેદારી 98 ટકા હતી. કંપની વિવિધ પ્રકારની કોમોડિટીમાં ટ્રેડિંગની તક પૂરી પાડે છે. તેમા સોનાચાંદી, ઊર્જા, ધાતુઓ અને કૃષિ પેદાશોનો સમાવેશ થાય છે. તેની સાથે સેક્ટોરલ કોમોડિટી ઇન્ડાઇસીસમાં પણ ટ્રેડિંગ કરી શકાય છે.

 

MCXએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન સંયુક્ત નફામાં બે ગણો વધારો નોંધાવતા તે રૂ. 455 કરોડ થયો છે. કંપનીની આવક અને ટ્રેડિંગ વોલ્યુમમાં નોંધપાત્ર ઉછાળાના પગલે આ સ્થિતિ જોવા મળી છે. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 197.47 કરોડ હતો. જ્યારે કામગીરીમાંથી આવક 113.9 ટકા વધીને રૂ. 800 કરોડ થઈ હતી.

 

MCX


વોલ્યુમના મોરચે જોઈએ તો ક્વાર્ટર દરમિયાન ફ્યુચર્સ એટલે કે વાયદાનું સરેરાશ ડેઇલી ટર્નઓવર (એવરેજ ડેઇલી ટર્નઓવર-એડીટી) વધીને રૂ. 62,819 કરોડ થયું હતું. જ્યારે ઓપ્શન્સનું ટર્નઓવર વધીને રૂ. 12 લાખ કરોડ થયું હતું. એક્સ્ચેન્જે આ ક્વાર્ટર દરમિયાન 5.68 ટન ગોલ્ડ, 199.91 ટન ચાંદી અને 34,707 ટન બેઝ મેટલ્સની ફિઝિકલ ડિલિવરી કરી હતી.

 

બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) જોવા મળેલું મજબૂત પ્રદર્શન વિવિધ પ્રોડક્ટ સેગમેન્ટ્સમાં સતત વૃદ્ધિ, બજારમાં વધતી ભાગીદારી અને પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાના સતત પ્રયાસોને આભારી હતું. મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, "આગળ જોતાં, અમારું ધ્યાન આ મજબૂત પાયા પર વધુ પ્રગતિ સાધવા પર છે; જેના માટે અમે બજારમાં ભાગીદારી વધારવાનું, પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવાનું અને ટેક્નોલોજી તથા નવીનતા (ઇનોવેશન)માં રોકાણ કરવાનું ચાલુ રાખીશું."

 

જેફરીઝ (Jefferies) ના વિશ્લેષકો માને છે કે ભારતનું કોમોડિટી માર્કેટ કેશ ઇક્વિટી માર્કેટની સરખામણીમાં પાછળ છે, પરંતુ તેમાં બજારની પહોંચ વધવાની શક્યતા છે. આ સ્થિતિમાં, બિન-કૃષિ કોમોડિટી માટેનું અગ્રણી એક્સચેન્જ 'MCX' લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે. નવા ઉત્પાદનોની સંભાવનાઓ અને NSE ની સરખામણીમાં રિટેલ સહભાગિતા માત્ર પાંચમા ભાગની (1/5th) હોવાને ધ્યાનમાં લેતા, MCX ની આવક નાણાકીય વર્ષ 2026-27 થી 2028-29 (FY26-29e) દરમિયાન 25 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વધી શકે છે — અને આ વૃદ્ધિ ત્યારે અપેક્ષિત છે જ્યારે આધાર (base) પહેલેથી જ ઊંચો છે.

 

કંપની 140 બેસિસ પોઈન્ટ્સ (bps)ના માર્જિન વિસ્તરણની સાથે, નાણાકીય વર્ષ 2028-29 સુધીમાં કર પૂર્વેના નફાનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 26 ટકા રહી શકે છે. વિદેશી બ્રોકરેજ પેઢીએ MCX નું મૂલ્યાંકન ડિસેમ્બર 2028 (Dec'28e) ના પ્રતિ શેર ₹4,000 નો લક્ષ્યાંક ભાવ (ટાર્ગેટ પ્રાઈસ) નક્કી કર્યો છે. બ્રોકરેજ પેઢીના જણાવ્યા અનુસાર, નિયમનકારી જોગવાઈઓ અને સ્પર્ધા એ મુખ્ય જોખમો છે.

આ પણ જુઓઃ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read