Intelના શૅરમાં 28%નો કડાકો, Nvidia-AMD પણ તૂટ્યા; શું અમેરિકામાં AIનો ફુગ્ગો ફૂટ્યો?
નબળા પરિણામો અને AI રોકાણના રિટર્ન અંગે સવાલોથી ટેક સ્ટોક્સમાં ભારે વેચવાલી, Nasdaq 2.86% ગગડ્યો, દુનિયાભરના શૅરબજારોમાં સોમવારે મોટા કડાકાની આશંકા, AIમાં અબજોનું રોકાણ, હવે રિટર્નની ચિંતા!

ચીનમાં એઆઈ અને સેમિકન્ડક્ટર કંપનીઓનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેમ રોકાણકારો એઆઈ કંપનીઓમાંથી રોકાણ ખેંચી રહ્યા છે. પરિણામે ચીનમાં એઆઈ-સેમિકન્ડક્ટર કંપનીઓને આવરી લેતા સ્ટાર-50 ઈન્ડેક્સમાં ચાર મહિનાથી ઓછા સમયમાં 40 ટકા જેટલો ઘટાડો થયો છે. હવે આવી જ સ્થિતિ કંઈક અમેરિકામાં જોવા મળી રહી છે. અમેરિકામાં ઈન્ટેલના શૅરોમાં 28 ટકાનો કડાકો બોલાયો હતો જ્યારે એનવીડિયા, એએમડી, ડેલ અને એચપીના શૅરો પણ તૂટ્યા હતા, જેને પગલે નાસ્ડેક કોમ્પોસીટ ઈન્ડેક્સ 2.86 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. અમેરિકામાં ટેક્નોલોજી કંપનીઓના શૅરોમાં શુક્રવારે આવેલા આ મોટા કડાકાએ રોકાણકારોને ગભરાવી દીધા છે. રોકાણકારોને સવાલ થઈ રહ્યો છે કે શું ચીન પછી હવે અમેરિકામાં પણ એઆઈનો ફુગ્ગો ફૂટવા લાગ્યો છે?
નાસ્ડેક કોમ્પોસીટ ઈન્ડેક્સમાં શુક્રવારે 5 જૂન પછી ટકાવારીમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો થયો હતો. તેનું કારણ ઈન્ટેલ અને અમેઝોનના ખરાબ ત્રિમાસિક પરિણામો છે. આ પરિણામોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં ટેક્નોલોજી કંપનીઓના સતત ભારે રોકાણ મુદ્દે સવાલો ઊભા થઈ ગયા છે. રોકાણકારો પૂછી રહ્યા છે કે AIમાં રોકાણનું રિટર્ન કેટલા સમયમાં મળશે?
સોમવારે દુનિયાભરના બજારો પર અસરની શક્યતા
નાસ્ડેક કમ્પોઝિટ 30 ઓક્ટોબરે 747 પોઈન્ટ ગગડીને 25,437ના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે એસએન્ડપી 500 પણ 1.82 ટકા ઘટીને 7,580 પર જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 1.09 ટકા ઘટીને એટલે કે 572 પોઈન્ટ તૂટી 51,770ના સ્તરે બંધ થયા હતા. આ ઘટાડાની અસર સોમવારે એટલે કે 3 નવેમ્બરે દુનિયાના શૅર બજારો પર જોવા મળી શકે છે. વિશેષરૂપે દક્ષિણ કોરિયા અને તાઈવાનના શૅરબજારોમાં મોટો ઘટાડો આવી શકે છે, કારણ કે આ બજારોમાં તેજીનું કારણ ટેક્નોલોજી સ્ટોક્સ છે.
ઈન્ટેલનો શૅર 28 ટકાથી વધુ ક્રેશ થયો
નાસ્ડેક 6 ઓક્ટોબરે તેના વિક્રમી બંધ સ્તરથી 7.8 ટકા ગગડ્યો છે. તેનાથી અમેરિકન શૅરબજારોમાં AIના કારણે આવેલી તેજી ચાલુ રહેવા અંગે આશંકા પેદા થવા લાગી છે. એસએન્ડપી 500 અને નાસ્ડેકનું રિટર્ન ઓક્ટોબરમાં નેગેટિવ રહ્યું છે જ્યારે ડાઉ જોન્સમાં આંશિક વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે આવેલા ઘટાડામાં Intel અને Amazonના ખરાબ ક્વાર્ટર પરિણામોનો મોટો હાથ રહ્યો. Intelના શૅર 28.6 ટકા તૂટ્યા હતા.

સેમિકન્ડક્ટર અને સર્વર કંપનીઓના શૅર પણ લપસ્યા
સમિકન્ડક્ટર અને સર્વર બનાવતી કંપનીઓના શૅરોમાં પણ મોટી વેચવાલી જોવા મળી. Nvidiaના શર 4.2 ટકા તૂટ્યા જ્યારે અન્ય AMDમાં અંદાજે 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સર્વર બનાવતીકંપનીઓ Dell અને HPના શૅરોમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.Dell 10.8 ટકા જ્યારે એચપીમાં 9.6 ટકાનો ઘટાડો આવ્યો હતો. ઓક્ટોબરમાં નાસ્ડેક 100ની માર્કેટ વેલ્યુમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે.
ટેક્નોલોજી કંપનીઓએ દેવાંથી ભંડોળ એકત્ર કર્યું
અમેરિકામાં ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર કંપનીઓએ છેલ્લા કેટલાક વર્ષમાં દેવાં મારફત ઘણું ભંડોળ એકત્ર કર્યું છે. મેટાએ 97.5 અબજ ડોલરનું ફંડ મેળવવાની યોજના બનાવી છે. માઈક્રોસોફ્ટ બોન્ડ્સ મારફત અંદાજે 25 અબજ ડોલર એકત્ર કરવા અંગે વિચારી રહી છે.
આગામી વર્ષે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ 1 ટ્રિલયન ડોલર પાર કરવાની આશા
મેટા, અમેઝોન અને આલ્ફાબેટે મળીને છેલ્લા ચાર વર્ષમાં અબજો ડોલરના બોન્ડ્સ ઈશ્યુ કર્યા છે. તેનાથી ટેક્નોલોજી કંપનીઓ પર વધતા દેવાના બોજ અંગે ચિંતા વધી રહી છે. મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે આગામી વર્ષે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણના 1 ટ્રિલિયન ડોલર પાર કરવાની આશા છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gemini 4 Hydrogen: કોડિંગથી Google Search સુધી કામ બનશે ઝડપી, જાણો ફીચર્સ અને કિંમત

Microsoft Outage: ઈમેલથી AI સર્વિસ સુધી અનેક સર્વિસ કલાકોથી ઠપ

Nvidia CEO Resign: જેનસન હુઆંગે આપ્યું રાજીનામું, કોલેટ ક્રેસ બન્યા વચગાળાના CEO, શેરમાં 12%નો કડાકો

ડોલરને પડકારવા ચીનનો મોટો પ્લાન, 16 નવેમ્બરથી શરૂ થશે નવો ખેલ

Nvidiaના શેર બીજા 9 ટકા ઘટ્યા, CEO Jensen Huangના રાજીનામાની માંગ

MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં LIC, Adani Green,Coforge અને Mishoનો ઉમેરો

કોણ છે એલિસ હુઆંગ? Nvidia CEO જેનસેન હુઆંગ સાથેના સંબંધ અને ચીની જાસૂસના આરોપોથી ચર્ચામાં





