KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

NRI Digital KYC: ભારતમાં આવ્યા વિના ખુલશે રોકાણ ખાતું, 3 ડિસેમ્બરથી SEBIના નવા નિયમો લાગુ

વિદેશમાં રહેતા પાત્ર NRI, OCI અને વિદેશી નાગરિકો માટે ભારતીય રોકાણ ખાતાની ડિજિટલ KYC પ્રક્રિયા સરળ બનશે. SEBIના નવા નિયમો 3 ડિસેમ્બર 2026થી લાગુ થશે. FATFની શરતોનું પાલન કરતા દેશોમાં રહેનારા રોકાણકારો વિદેશથી જ દસ્તાવેજો અને વીડિયો દ્વારા ઓળખની ચકાસણી કરાવી શકશે.

kuberanow deskPublished On : 9 Nov 2026
NRI Digital KYC
NRI Digital KYCAI Image

NRI Digital KYC: ભારતમાં રોકાણ કરવા ઇચ્છતા વિદેશ સ્થિત ભારતીયોએ હવે KYC માટે ભારત આવવાની રાહ જોવી નહીં પડે. SEBIએ પાત્ર રોકાણકારોને વિદેશથી જ ડિજિટલ ઓળખ ચકાસણી કરવાની સુવિધા આપી છે. આ ફેરફારથી ભારતીય શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ખાતું ખોલાવતી વખતે થતી દોડધામ ઘટશે. જોકે, આ સુવિધા નિર્ધારિત શરતોને આધીન રહેશે અને નવા નિયમો 3 ડિસેમ્બર 2026થી અમલમાં આવશે.


સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા એટલે કે SEBIએ 4 નવેમ્બર 2026ના રોજ બહાર પાડેલા સર્ક્યુલરમાં બિનનિવાસી ભારતીયો (NRI), ઓવરસીઝ સિટિઝન્સ ઑફ ઇન્ડિયા (OCI) અને વિદેશી નાગરિકો માટે ભારતીય બ્રોકરો, મ્યુચ્યુઅલ ફંડ હાઉસ તથા અન્ય બજાર મધ્યસ્થીઓ પાસે રોકાણ ખાતું ખોલાવવાની પ્રક્રિયામાં રાહત આપી છે.


KYC એટલે ‘નો યોર કસ્ટમર’—ખાતું ખોલતાં પહેલાં રોકાણકારની ઓળખ અને સરનામાની ચકાસણી કરવાની પ્રક્રિયા. અગાઉ ડિજિટલ KYCમાં ફોર્મ ભરવા, દસ્તાવેજો અપલોડ કરવા અને ઑનલાઇન ચકાસણીની સુવિધા હોવા છતાં ખાતું ખોલાવતી વખતે ગ્રાહકનું ભારતમાં હાજર હોવું જરૂરી હતું. પરિણામે, થોડા અઠવાડિયાં માટે ભારત આવતા NRIએ પરિવારની જવાબદારીઓ અને અન્ય કામોની વચ્ચે રોકાણ ખાતાની કાર્યવાહી માટે પણ સમય કાઢવો પડતો હતો.


SEBIનાં નવા નિયમો

પાત્ર દેશોમાંથી ડિજિટલ KYC કરાવી શકાશે

નવા નિયમો હેઠળ, ફાઇનાન્શિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની શરતોનું પાલન કરતા દેશોમાં રહેલી વ્યક્તિઓની ડિજિટલ KYC સ્વીકારવાની મંજૂરી મધ્યસ્થીઓને આપવામાં આવી છે. FATF વૈશ્વિક સ્તરે મની લોન્ડરિંગ સામે કામ કરતી સંસ્થા છે. માહિતી મુજબ, અમેરિકા, બ્રિટન, કેનેડા, ઑસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમીરાત અને સિંગાપોર જેવા દેશોમાં રહેતા પાત્ર રોકાણકારોને આ સુવિધાનો લાભ મળશે.


જરૂરી દસ્તાવેજો સાથે વીડિયો ચકાસણી થશે

પ્રક્રિયા માટે PAN, પાસપોર્ટ, લાગુ પડતું હોય તો OCI કાર્ડ અને સરનામાનો પુરાવો આપવો પડશે. રૂબરૂ ચકાસણી શક્ય ન હોય ત્યારે મધ્યસ્થી વીડિયો ઇન-પર્સન વેરિફિકેશન (VIPV) કરી શકશે. તેમાં લાઇવ વીડિયો કૉલ દરમિયાન બ્રોકર અથવા સંબંધિત સંસ્થાનો અધિકૃત અધિકારી રોકાણકારની ઓળખ ચકાસશે. વીડિયો સત્રનું ઑડિટ કરવામાં આવશે. સાથે જ સ્થળની ઓળખ માટે જિયો-ટૅગિંગ અને માહિતીની સુરક્ષા માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ થશે. તેનો હેતુ વીડિયો અગાઉથી રેકોર્ડ કરેલો નથી અને તેની સાથે છેડછાડ થઈ નથી તેની ખાતરી કરવાનો છે.


NRI Digital KYC


ચકાસાયેલી માહિતીથી વારંવારની KYC પ્રક્રિયા ઘટશે

KYC રેકોર્ડમાં હવે દરેક માહિતીની ચકાસણીની સ્થિતિ અલગથી દર્શાવાશે. આ વ્યવસ્થાને ‘એટ્રિબ્યુટ-લેવલ ટૅગિંગ’ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સરનામું અથવા ફોન નંબર સત્તાવાર ડેટાબેઝ સાથે ચકાસાયેલો છે કે નહીં, તે સંબંધિત માહિતી સામે નોંધાશે. આ રેકોર્ડ મધ્યસ્થીઓ વચ્ચે વહેંચી શકાશે. તેથી એક બ્રોકર પાસે KYC પૂર્ણ કરાવ્યા પછી બીજા બ્રોકર પાસે આખી પ્રક્રિયા ફરી કરાવવાની જરૂર દરેક કિસ્સામાં નહીં પડે. નિર્ધારિત જોગવાઈઓ હેઠળ મધ્યસ્થી અન્ય SEBI-રજિસ્ટર્ડ સંસ્થા અથવા RBI અને IRDAIના નિયમન હેઠળની સંસ્થાએ કરેલી KYC પર પણ આધાર રાખી શકશે. તેનાથી રોકાણકાર માટે એકની એક કાર્યવાહીનું પુનરાવર્તન ઘટશે.


3 ડિસેમ્બરથી નવા નિયમો અમલમાં આવશે

સર્ક્યુલર બહાર પડ્યાના 30 દિવસ બાદ એટલે કે 3 ડિસેમ્બર 2026થી અમલમાં આવશે. FATFની શરતોનું પાલન ન કરતા દેશોમાં રહેલા ગ્રાહકો માટે જૂની અને વધુ કડક પ્રક્રિયા ચાલુ રહેશે. આ ફેરફારનો વ્યાપ માત્ર દસ્તાવેજોની સરળતા પૂરતો નથી. વિદેશમાં રહેતા ભારતીય સમુદાય પાસે નોંધપાત્ર બચત અને ભારતમાં રોકાણ કરવાની ઇચ્છા છે. તેમના માટે ખાતું ખોલાવવાની પ્રક્રિયા સરળ બનવાથી ભારતીય મૂડીબજાર સુધીની પહોંચ વધુ સુગમ બની શકે છે.


NRI માટે ભારતીય બજારમાં રોકાણ સરળ

નાણાકીય બાબતોનાં નિષ્ણાતો જણાવે છે કે, NRI ભારતની આર્થિક વૃદ્ધિમાં પોતાનો ફાળો આપવા અને પોતાના રોકાણને અલગ-અલગ બજારોમાં વહેંચવા ઇચ્છે છે. પરંતુ ભારતની ટૂંકી મુલાકાત દરમિયાન તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરવા માટે સમય મળતો નહોતો. હવે વિદેશમાં રહીને ડિજિટલ KYC કરવાની મંજૂરીથી તેમને ભારતના વિકસતા શેરબજારમાં ભાગ લેવાની વધુ સરળ તક મળશે.


તમને કયા દસ્તાવેજોની જરૂર પડશે?

તમારે તમારી PAN વિગતો અને પાસપોર્ટની નકલ પ્રદાન કરવાની જરૂર પડશે. જ્યાં લાગુ પડે ત્યાં OCI કાર્ડધારકોએ તેમનું OCI કાર્ડ પણ સબમિટ કરવું પડશે. વિદેશી સરનામાંનો ઉપયોગ વર્તમાન સરનામા તરીકે થઈ શકે છે. અંગ્રેજી સિવાયની ભાષાઓમાં સબમિટ કરાયેલા દસ્તાવેજોનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલું જોઈશે અને પ્રમાણિત અધિકારી દ્વારા પ્રમાણિત કરવું જોઈએ.


આ પણ વાંચો: ફાયર અને પેરિલ્સ ઇન્શ્યોરન્સ શું છે? જાણો મહત્વ, કવરેજ અને બાકાત બાબતો


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn